| ક્રમાંક | વ્યુત્પત્તિ | વ્યાકરણ | અર્થ |
| ૧. | पुं. | ( પિંગળ ) અઠ્ઠાવીશ માત્રાનો એક માત્રામેળ છંદ; ગિયા. | |
| ૨. | पुं. | ( પિંગળ ) વીશ અક્ષરનો એક અક્ષરમેળ છંદ; ગીતિકા. તેના દરેક ચરણમાં સગણ, બે જગણ, ભગણ, રગણ, સગણ લઘુ અને ગુરુ મળી વીશ અક્ષર હોય છે. | |
| ૩. | स्त्री. | ગુરુશિષ્યની કલ્પનાથી રચેલ, જેમાં જ્ઞાનબોધ હોય એવું સંવાદરૂપ કવિતાનું પુસ્તક. | |
| ૪. | स्त्री. | જ્ઞાનમય ઉપદેશ. | |
| ૫. | स्त्री. | તત્ત્વજ્ઞાન સંબંધી હરકોઈ ગ્રંથ. ગીતા એ શબ્દ સાતસો શ્લોકવાળી ભગવદ્ગીતાને લાગું પાડવા ઉપરાંત રૂઢ અર્થમાં તત્વજ્ઞાન ઉપરના અનેક ગ્રંથોને લાગુ પાડવામાં આવેલો જોવામાં આવે છે. દાખલા તરીકે, મહાભારમાં શાંતિપર્વમાં આવેલા મોક્ષપર્વમાં કેટલાક પરચૂરણ પ્રકરણ પિંગલગીતા, શંપાકગીતા, મંકિગીતા, બોધ્યગીતા, વિચખ્યુગીતા, હારિતગીતા, વૃત્રગીતા, પરાશરગીતા અને હંસગીતા એવાં નામથી ઓળખાય છે. અશ્વમેધ પર્વમાં અનુગીતાના એક ભાગને બ્રાહ્મણગીતા એવી નિરાળી સંજ્ઞા આપવામાં આવી છે. આ સિવાય અવધૂતગીતા, અષ્ટાવક્રગીતા, ઈશ્વરગીતા, ઉત્તરગીતા, કપિલગીતા, ગણેશગીતા, દેવીગીતા, પાંડવગીતા, બ્રહ્મગીતા, ભિક્ષુગીતા, યમગીતા, રામગીતા, વ્યાસગીતા, શિવગીતા, સૂતગીતા, સૂર્યગીતા વગેરે એવી બીજી પણ અનેક ગીતા પ્રસિદ્ધ છે. આમાંની કેટલીક સ્વતંત્ર નિરૂપણરૂપ છે અને બાકીની નિરનિરાળાં પુરાણોમાં આવેલી છે. આમ અનેક ગીતા હોવા છતાં નીચેની ચૌદ ગીતા પ્રસિદ્ધ મનાય છે: ગણેશગીતા, શિવગીતા, રામગીતા, અવધૂનગીતા, ભગવદ્ગીતા, પાંડવગીતા, ગુરુગીતા, ગર્ભગીતા, ઉત્તરગીતા, બ્રહ્મગીતા, હંસગીતા, યમગીતા, નિરંજનગીતા અને કપિલગીતા. | |
| ૬. | स्त्री. | નાનું ગીત. | |
| ૭. | स्त्री. | વૃત્તાં; કથા; હેવાલ. | |
| ૮. | स्त्री. | શ્રીમદ્ ભગવદ્ગીતા. ભગવદ્ગીતા ઉપનિષદનું ગીતા સંક્ષિપ નામ છે. ઉપનિષદ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિંગી છે, જોકે ગુજરાતી અને મરાઠી ભાષામાં એ શબ્દ નપુંસકલિંગમાં વપરાય છે. એ શબ્દ સ્ત્રીલિંગનો હોવાથી શ્રી ભગવાને ગાયેલી એટલે ઉપદેશેલી, કહેલી ઉપનિષદ એ અર્થમાં સંસ્કૃત ભાષામાં શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપનિષત્ એવો વિશેષણ વિશેષ્યરૂપ સ્ત્રીલિંગમાં પ્રયોગ થાય છે. આ ગ્રંથ જો કે એક જ છે તોપણ સન્માનના અર્થમાં બહુવચનમાં તે ગ્રંથનો નિર્દેશ કરવાની પદ્ધતિ હોવાથી દરેક અધ્યાયના અંતમાં શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ એવો સપ્તમી વિભક્તિમાં બહુવચનમાં પ્રયોગ થયેલો છે. આચાર્યેના ભાષ્યોમાં પણ તે જ પ્રમાણે ઇતિ ગીતાસુ એવો આ ગ્રંથને ઉદ્દેશીને બહુવચનમાં જ પ્રયોગ જોવામાં આવે છે. પછી આ ગ્રંથનું ટૂંકું નામ આપવાને વખતે કેન, કઠ, છાંદોગ્ય વગેરે નામમાં જેમ ઉપનિષદ શબ્દ કાઢી નાખીને એકલાં નામ રહેલાં જોવામાં આવે છે, તેમ `શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપનિષત્`એ એકવચનમાં તે પદના પ્રથમાન્તનો લોપ કરી પહેલે `ભગવદ્ગીતા` અને છેવટે માત્ર `ગીતા` એવો સ્ત્રીલિંગી વાત્સલ્યસૂચક અતિ ટૂંકો પ્રયોગ થયેલો છે. ગીતા શબ્દ ગૈ એટલે ગાવુ ધાતુ ઉપરથી કર્મણિ ભૂતકૃદંતનું સ્ત્રીલિંગ રૂપ છે. તેનો અર્થ ગવાયેલી એવો થાય છે. વિશેષણ અને વિશેષ્ય વચ્ચે સમાન લિંગ, વિભક્તિ અને વચન હોવાં જોઇએ તેથી ગીતા ઉપનિષદ એ પ્રયોગ શુદ્ધ છે. ઉપનિષત્ શબ્દ મૂળથી જ ન હોત તો ભાગવતમ્, ભારતમ્, ગોપીગીતમ્, આ શબ્દો પ્રમાણે આ ગ્રંથનું નામ પણ ભગવદ્ગીતમ્ અથવા માત્ર ગીતમ્ એવું નપુંસકલિંગી જ હોત; તેમ ન થતાં ભગવદ્ગીતા અથવા ગીતા એવું સ્ત્રીલિંગ નામ જે કાયમ થયું છે તે ઉપરથી ગીતા એ શબ્દ પછી ઉપનિષત્ શબ્દ હમેશા અધ્યાહાર રહે છે. લાખ શ્લોક પૂરતો મહાભારત ગ્રંથ છે, જેમાં ૧૮ મુખ્ય પર્વ છે; તેમાંના છઠ્ઠા ભીષ્મ પર્વના ૨૫ થી ૪૨ સુધીના ૧૮ અધ્યાય એઠલે ૭૪૫ શ્લોકનું આ નાનકડું પ્રકરણ છે. તેમાં શ્રીકૃષ્ણ અથવા કેશવના કહેલા ૬૨૦, અર્જુનના ૫૭, સંજયના ૬૭ અને ધૃતરાષ્ટ્રનો ૧ શ્લોક મળી કુલ ૭૪૫ ગીતાનું માન કે માપ કહ્યું છે. તેમાંથી હાલ માત્ર ૭૦૦ શ્લોક જ મળે છે. પાંડવકૌરવ વચ્ચેના યુદ્ધની શરૂઆત પહેલાં અર્જુનને મોહ થયો,ત્યારે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી, સર્વે ઉપનિષદયુક્ત વેદશાસ્ત્રના સારરૂપ આ ગીતાશાસ્ત્ર કહી સંભળાવ્યું હતું. અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન વચ્ચેની આ સંવાદાત્મક આખ્યાયિકા છે. એના છ છ અધ્યાયના ઝૂમખાને ષટ્ક કહે છે. ગીતામાં એવાં ત્રણ ષટ્ક છે. પ્રથમ છ અધ્યાયના ષટ્કમાં કર્મકાંડનું, બીજામાં ભગવદ્ભક્તિનું અને ત્રીજામાં જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણા આર્યધર્મનું મૂળ વેદ છે અને તે વેદના કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણ વિભાગમાંનો જે જ્ઞાનકાંડ તે અંતિમ ફલરૂપ હોઇ બીજા બે કાંડનો નિયામક છે. એ જ્ઞાનનો જેમાં સંગ્રહ છે તેવા ઉપનિષદ્ગત જ્ઞાનને શ્રીવ્યાસજીએ ગીતામાં સર્વાંશે સંગ્રહી સ્પષ્ટ કરેલ છે. ૐ એ શબ્દબ્રહ્મમાંથી બધી અપરા વિદ્યા વિસ્તરી છે. જેમકે, ૐ માંથી વ્યાહૃતિ, તેમાંથી ગાયત્રી, તેમાંથી વેદ, તેમાંથી ઉપનિષદ અને તેમાંથી ગીતા બ્રહ્મસૂત્ર આદિ. ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા એ પ્રસ્થાનત્રયનો સમન્વય સાધીને તેમાંથી જ શંકર, રામાનુજ, વલ્લભ, મધ્વ આદિ આચાર્યોએ પોતપોતાના મત પ્રવર્તાવેલા છે. ગીતા એ આપણા ધર્મગ્રંથોમાં એક અત્યંત તેજસ્વી અને નિર્મલ રત્ન છે. પિંડબ્રહ્માંડના બોધપૂર્વક આત્મવિદ્યાનાં ગૂઢ અને પવિત્ર તત્ત્વોને, થોડામાં પણ સંદેહ ન રહે તેવી રીતે કહી, તેના આધારથી મનુષ્યમાત્રને પોતાની આધ્યાત્મિક પૂર્ણ અવસ્થા એટલે પરમ પુરુષાર્થનું જ્ઞાન કરાવી આપનાર અને તેની સાથે જ ભક્તિનો જ્ઞાન જોડે અને આખરે તે બંનેનો શાસ્ત્રથી પ્રાપ્ત થતા વ્યવહાર જોડે સુંદર અને સારી રીતે સાંકળેલો યોગ કરાવી સંસારથી ભમી ગયેલ મનને શાંત અને વિશેષ કરીને નિષ્કામ કર્તવ્યના આચરણમાં પ્રવૃત્ત કરનાર છતાં બાલકોથી પણ સમજી શકાય તેવો, એના જેવો બીજો ગ્રંથ માત્ર સંસ્કૃતમાં જ શું, પણ જગતના કોઇ પણ વાઙ્મયમાં મળવો મુશ્કેલ છે. વેદ પણ બ્રહ્માને પ્રેરણા થઇ તે મુજબ તેના મુખમાંથી નીકળ્યા, જ્યારે સ્મૃતિઓ તો તેના અર્થ સ્મરણ કરી ઋષિઓએ કહી એવાં શાસ્ત્ર છે, પણ ગીતાજી તો જેની નાભિમાંથી બ્રહ્મા પ્રગટ્યા તે પદ્મનાભના સાક્ષાત્ શ્રીમુખથી નીકળેલ છે એટલે તેની શ્રેષ્ઠતા તે રીતે પણ અતિ વિશેષ છે. શ્રીભગવાન પોતે પણ ગીતાનું માહાત્મ્ય દર્શાવતાં કહે છે કે, ગીતા તો મારૂં હૃદય છે, હું ગીતાને આધારે રહ્યો છું, ગીતા એ મારૂં ઉત્તમ મંદિર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને ત્રણે લોકનું હું પાલન કરૂં છું. ગીતા એ મારી પરમ વિદ્યા છે, બ્રહ્મસ્વરૂપા છે, ૐકારના ઁ એટલે મ્કારરૂપ અર્ધમાત્રાવાળી છે, અવિનાશી છે અને ગૂઢ અર્થથી ભરેલાં પદોવાળી છે. એમાં સંશ્ય નથી. તત્ત્વજ્ઞાનમાં મસ્ત બની સંન્યાસી થવું સારૂં કે ઘડામથલવાળી અવડચટ્ટી રાજકીય ધમાલમાં પડીને રાજનીતિજ્ઞ તરીકે પંકાવું તે સારૂં, તેનો એસ્ટિટોટલે કરેલો નિર્ણય પણ ગીતામાં છે. મનુષ્ય જે કાંઇ પાપ કરે છે તે અજ્ઞાનને જ આભારી છે એવો જે સોક્રેટીસનો મત છે, તેનો પણ ગીતામાં સમાવેશ થયેલ છે. પરમ જ્ઞાનની દશાએ પહોંચેલા પુરુષનું વર્તન સર્વને માટે પ્રમાણભૂત હોય છે એવો એપીક્યુરિયન અને સ્ટોઇક પંથોના ગ્રીક પંડિતોનો મત પણ ગીતાને માન્ય છે. દરેક મનુષ્યે માનવજાતિના શ્રેય માટે શ્રમ લેવો જ જોઇએ, એવી મિલ, સ્પેન્સર વગેરે આધિભોંતિકવાદીઓની જે નીતિ છે, તેનો યે ગીતામાં યોગ્ય રીતે સંગ્રહ થયો છે. કેન્ટ ને ગ્રીન જેવા નીતિજ્ઞોના ઇચ્છાસ્વાતંત્ર્યના સિદ્ધાંતો પણ ગીતામાં આવેલા છે. વાસનાનો ક્ષય કરવો એ જ મનુષ્યમાત્રનું કર્તવ્ય છે એવો શોપનહોંએરનો સિદ્ધાંત પણ ગીતાને ગ્રાહ્ય છે અને વાસનાની નિષ્કામતા તેમ જ સદાચાર કે નીતિનું મૂળ છે એવી ડાયસનની માન્યતાનું યે ગીતામાં પ્રતિપાદન થયેલું છે. ગીતામાં કર્મયોગીને કર્મ, જ્ઞાનમાર્ગીને જ્ઞાન, ભક્તને ભક્તિ, અદ્વેંતવાદીને અદ્વૈતભાવ, દ્વેતવાદીને દ્વૈતભાવ, પ્રવૃત્તિપરયણને પ્રવૃત્તિ, નિવૃત્તિપરાયણને નિવૃત્તિ, સંસારીને વ્યવહાર, રાજનીતિજ્ઞને રાજનીતિ અને દેશભક્તને દેશભક્તિ દૃષ્ટિગોચર થાય છે, પણ વાસ્તવિક રીતે તો ગીતાની રગેરગમાં સમત્વ સિવાય બીજું એવું પ્રધાન તત્ત્વ ભાગ્યે જ લાધે છે. જેમકે, (૧) સુખદુ:ખે સમ મોક્ષને પાત્ર છે. (૨) લાભાલાભે, જયાજયે સમને પાપ નથી. (૩) સિદ્ધિઅસિદ્ધિમાં સમ એ જ યોગ. (૪) શુભાશુભમાં સમને સ્થિતિપ્રજ્ઞ કહે છે. (૫) સિદ્ધિઅસિદ્ધમાં સમને બંધન નથી. (૬) સાંખ્ય ને યોગ જેને સમ છે એ જ દ્રષ્ટા છે. (૭) સર્વને સમ જાણનાર લેપાતો નથી. (૮) પંડિતો બ્રાહ્મણ ગાય હસ્તિ આદિમા સમદર્શી છે. (૯) પ્રિયઅપ્રિયમાં સમ બ્રહ્મમય થાય છે. (૧૦) સમલોષ્ટશ્મકાંચન યોગી કહેવાય છે. (૧૧) સુહૃદ્, અરિ, સજ્જન ને પાપીમાં સમબુદ્ધિ રાખનાર શ્રેષ્ઠ છે. (૧૨) સમદર્શી પરમ યોગી છે. (૧૩) સમબુદ્ધિ પ્રભુને પામે છે. (૧૪) સુખદુ:ખે, હર્ષશોક, શુભાશુભ અને માનાપમાને સમ એ જ પ્રિય ભક્ત છે. (૧૫) ઇષ્ટ અનિષ્ટમાં સમચિત્ત એ જ્ઞાન છે. (૧૬) ઈશ્વરને સમજનાર પરમ બુદ્ધિને પામે છે. (૧૭) પૃથક્ભાવે જે સમભાવી તે બ્રહ્મ પામે છે. (૧૮) સમલોષ્ટાશ્મકાંચન ગુણાતીત છે. (૧૯) પ્રિયઅપ્રિયે, માનાપમાને અને મિત્રઅરિમાં સમ તે ગુણતીત છે. (૨૦) સર્વભૂતે સમભાવ એ જ સાત્ત્વિક જ્ઞાન છે. (૨૧) સિદ્ધિઅસિદ્ધિમાં સમને સાત્ત્વિક કર્તા કહે છે. (૨૨) પ્રવૃત્તિનિવૃત્તિમાં સમ એ જ સાત્ત્વિક બુદ્ધિ છે. (૨૩) સર્વભૂતે સમ પરમ ભક્તિ પામે છે. તાત્પર્ય કે ગીતામાં મોક્ષ, યોગ, સ્થિતપ્રજ્ઞ, મુક્તિ, દ્રષ્ટા, નિર્લેપ, સમદર્શી, બ્રહ્મમય, યોગી, શ્રેષ્ઠ, પરમ યોગી, પ્રિય ભક્ત, જ્ઞાન, પરમબુદ્ધિ, બ્રહ્મપ્રાપ્તિ, ગુણાતીત, સાત્ત્વિક જ્ઞાન, સાત્ત્વિક કર્તા, સાત્ત્વિક બુદ્ધિ અને પરમ ભક્તિ આદિની વિવિધ વ્યાખ્યાઓ આપતાં જુદેજુદે પ્રસંગે તેનાં લક્ષણ તરીકે માત્રએક સમત્વને જ પ્રધાનપદ આપવામાં આવ્યું છે, તે ગીતાકારના જ શબ્દોનું પ્રત્યક્ષ પ્રમાણ છે. વિભિન્ન મતોનું સંગતિકરણ કરીને તેમની અંદર જે અભેદ છે, તે પ્રતિ અભ્યાસકોનું આકર્ષણ કરાવવા માટે ગીતાશાસ્ત્ર ઉત્પન્ન થયેલું છે. બાકી તો ગીતાના ઉપદેશ અનુસાર આચરણ કરીને જ `ગીતા સુગીતા` પરિણમે. ગીતા એ એક શાશ્વત માગદર્શિકા છે. તેનો ઉદ્દેશ તો આપણા હૃદયની અંદર દીવો કરીને તે હૃદય આપણી પાસે તપસાવવાનો છે. સૌ ઉપનિષદો ગાયો દ્હોનારા નંદનંદન, પાર્થ વચ્છ, સુધી ભોક્તા, દૂધ ગીતા અમી વડું. - ગીતા માહાત્મ્ય હિંદુસ્તાનની સર્વ પ્રાકૃત ભાષા ઉપરાંત અરબી ફારસીમાં આ ગ્રંથનાં અનેક ભાષાંતર, તેના ઉપર અનેક ટીકા અને તેનાં અનેક નિરૂપણ થયાં છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનો ઉદય થયો તે પછી ગ્રીક, લેટિન, જર્મન, ફ્રેંચ, અંગ્રેજી વગેરે ભાષાઓમાં પણ ગીતાનાં અનેક ભાષાંતર થયાં છે. ભારતીય યુદ્ધને આરંભે શ્રીકૃષ્ણે અર્જુનને જે ગીતા ઉપદેશેલી છે તેનો પછી લોકમાં કેવી રીતે ફેલાવો થયો તેની પરંપરા હાલના મહાભારતમાં એવી રીતે વર્ણવેલી છે કે, યુદ્ધને આરંભે વ્યાસ ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને તેને કહ્યું કે યુદ્ધ જોવાની તારી ઇચ્છા હોય તો હું તને દિવ્યચક્ષુ આપું. પરંતુ મારા કુલનો ક્ષય થતો જોવાની મારી ઇચ્છા નથી એવો ધૃતરાષ્ટ્રે જવાબ આપ્યો ત્યારે વ્યાસે સંજય નામના સૂત જે ત્યાં હતા તેને ત્યાં ને ત્યાં જ બેઠાં બેઠાં જ બધું પ્રત્યક્ષ જ્ઞાન થાય એવી દિવ્યદૃષ્ટિ આપી અને તેણે ધૃતરાષ્ટ્રને બધી યુદ્ધની હકીકત કહેવી એવી વ્યવસ્થા કરી વ્યાસજી ત્યાંથી ચાલ્યા ગયા. પછી આ વ્યવસ્થા પ્રમાણે યુદ્ધમાં ભીષ્મ પડ્યા ત્યારે તેની ખબર આપવા પહેલાં સંજય તેમની પાસે ગયા. ત્યારે ભીષ્મ માટે શોક કરી યુદ્ધની સર્વ હકીકત કહેવાને ધૃતરાષ્ટ્રે સંજયને આજ્ઞા કરી. સંજયે પહેલાં બંને પક્ષના સૈન્યનું વર્ણન કર્યું અને પછી ધૃતરાષ્ટ્રના પ્રશ્ન ઉપરથી ગીતા કહેવાની શરૂઆત કરી. તે જ હકીકત પછીથી વ્યાસે પોતાના શિષ્યોને, તે શિષ્યો માંહેના વૈશંપાયને જનમેજયને અને છેવટ સૂતે શૌનકને કહેલી છે. ગીતા અભ્યુદય અને આત્યંતિક કલ્યાણનું સાધન છે. મનુષ્યમાત્ર એનો અધિકારી છે. કર્મયોગ એનો પ્રતિપાદ્ય વિષય છે. ગીતા એટલે આત્મજ્ઞાનપૂર્વક ભક્તિભાવે નિષ્કામ કરવા પ્રેરનારૂં દૈવી ગીત. પરમાત્માના મધુરતમ વાક્યોની એ સંહિતા છે. મંગલ વાણીનો એ સંગ્રહ છે. એ પરમ કવિનું પરમ જીવનકાવ્ય છે. આ ગ્રંથ ભગવાનના મુખકમળમાંથી સરેલાં વાક્યોનો સમૂહ છે. ગીતાની અંદર સાંખ્ય અને વેદાંતનો સંન્યાસ પાંચ રાત્રનો કર્મયોગ, હિંદી સંતોનો ભક્તિયોગ અને પતંજલિનો ધ્યાનયોગ એ બધાને સમાવેશ થયેલો જોવામાં આવે છે. શંકર આખી ગીતાને સંન્યાસ પ્રતિપાદન કરતી બતાવે છે, જ્યારે તિલક કર્મયોગ પ્રતિપાદન કરતી બતાવે છે, શંકર આગ્રહપૂર્વક કહે છે કે કર્મ ચિત્તશુદ્ધિ માટે જ ઉપયોગનું છે. માત્ર સંન્યાસથી મેળવી શકાતા મોક્ષ મળ્યા પછી જ તે છોડી દેવા યોગ્ય છે. વિશિષ્ટાદ્વૈત અને ભક્તિમાર્ગના સિદ્ધાંત પ્રમાણે રામાનુજ ગીતાનો જુદી જ રીતે અર્થ કરે છે. પોતાના દ્વૈત સિદ્ધાંત પ્રમાણે માધવ વળી ત્રીજી જ રીતે સમજાવે છે. વલ્લભ એથી યે આગળ જઇને શ્રીકૃષ્ણની ભક્તિરૂપે દુનિયાના સુખનો ઉપદેશ કરે છે. પણ ગીતા એ બધાને મધ્યમ માર્ગ સૂચવે છે. નૈતિક તત્ત્વવિદ્યા એવું પ્રતિપાદન કરે છે કે નૈતિક કર્તવ્યનો પાયો એવો હોવો જોઇએ કે જેથી મોટામાં મોટી સંખ્યાનું વધારેમાં વધારે ભલું થાય. તિલક એમ દલીલ કરે છે કે ગીતાના કહેવા પ્રમાણે આખી દુનિયામાં પ્રસરી રેહલા બ્રહ્મના સિદ્ધાંત ઉપર જ નીતિનો આધાર રહેલો છે આત્મૌપમ્ય અથવા બીજા તરફથી જેવી વર્તણૂક તમે ઇચ્છો તેવી જ રીતે તમારે બીજાઓ તરફ વર્તવું જોઇએ. | |
| ૯. | स्त्री. | ( સંગીત ) સંકીર્ણ રાગનો એક ભેદ. | |
| ૧૦. | स्त्री. | સ્તુતિ; વખાણ; પ્રશંસા. |
Friday, June 4, 2010
ગીતા
કૃષ્ણ
| ક્રમાંક | વ્યુત્પત્તિ | વ્યાકરણ | અર્થ |
| 1 | [सं.] | વિo | શ્યામ; કાળું (૨) પુંo (સં.) વિષ્ણુનો આઠમો અવતાર |
| 2 | पुं. | અર્જુન. | |
| 3 | पुं. | ઇંદ્રે મારેલો એક અસુર. | |
| 4 | पुं. | ( પુરાણ ) ઉત્તાનપાદ વંશના હવિર્ધાન રાજાને હવિર્ધાની નામની પત્નીથી થયેલા છ માંહેનો ચોથો પુત્ર; પ્રાચીનબર્હિના નાના ભાઇ માંહેનો એક. | |
| 5 | पुं. | ઋગ્વેદના આઠમા મંડલના ૮૫મા સૂક્તનો અને દશમા મંડલના ૪૨-૪૪ સૂક્તોનો કર્તા એક ઋષિ. | |
| 6 | पुं. | ( પુરાણ ) કદ્રુપુત્ર એક નાગ. | |
| 7 | पुं. | કરમદાનું ઝાડ. | |
| 8 | पुं. | કલિયુગ. | |
| 9 | पुं. | ( પુરાણ ) કલિયુગમાં કણ્વવંશની પછી થયેલા આંધ્ર વંશના બળિ રાજાનો ભાઈ. તે આ વંશનો બીજો રાજા હતો. | |
| 10 | पुं. | કાળા ઉમરડાંનું ઝાડ. | |
| 11 | पुं. | કાળો રંગ. | |
| 12 | पुं. | ( પુરાણ ) કૃષ્ણનો એ નામનો એક ગોપ મિત્ર. | |
| 13 | पुं. | કેતુ. | |
| 14 | पुं. | કોયલ. | |
| 15 | पुं. | ( પિંગળ ) ચાર અક્ષરનું એક વૃત્ત. તેના દરેક ચરણમાં તગણ અને લઘુ હોય છે. | |
| 16 | पुं. | ( પિંગળ ) છપ્પઈ છંદનો એક ભેદ. તેમાં ૨૨ ગુરુ અને ૧૦૮ લઘુ મળી ૧૩૦ વર્ણ કે ૧૫૨ માત્રા અથવા ૨૨ ગુરુ અને ૧૦૪ લઘુ મળી ૧૨૬ વર્ણ કે ૧૪૮ માત્રા હોય છે. | |
| 17 | पुं. | જુગારમાં મેળવેલ ધન. | |
| 18 | पुं. | બૌદ્ધ મતાનુસાર એક રાક્ષસ. તે બુદ્ધનો શત્રુ મનાય છે. | |
| 19 | पुं. | મોરથૂથુ. | |
| 20 | पुं. | યજ્ઞ. | |
| 21 | पुं. | લોઢું. | |
| 22 | पुं. | વદિ પક્ષ; અંધારિયું. | |
| 23 | पुं. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. કૃષ્ શબ્દ સત્તાવાચક છે અને ણ શબ્દ આનંદવાચક છે. શ્રીવિષ્ણુમાં બંને ભાવ છે તેથી તે કૃષ્ણ કહેવાય છે. | |
| 24 | पुं. | (પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે મધ્ય રાત્રે રોહિણી નક્ષત્રમાં થયો. તે ગોકુળમાં નંદને ઘેર ઊછર્યો. તેમની આકૃતિ મધ્યમ પ્રકારની હતી. નેત્ર કમળ જેવાં, નાસિકા સરળ, અંગકાંતિ શ્યામવર્ણની હતી. તેમને પીળાં વસ્ત્ર પહેરવામાં પ્રીતિ હતી. અધ્યાત્મજ્ઞાનમાં પારંગત હતો. તેનું શસ્ત્રઅસ્ત્ર મિથ્યા થતું નહિ. સ્નાન સંધ્યાદિક નિત્યકર્મ કરવાની દીક્ષા તેણે ઉપમન્યુ ઋષિ પાસેથી લીધી હતી. એ શ્યામસુંદર, કમળનયન, રમણીય અવતારમૂતિ સાક્ષાત્ વિષ્ણુએ જગદુદ્ધાર અર્થે અવતારદેહ ધારણ કર્યો છે એવું ઋષિમુનિઓએ જાણી લીધું હતું. કૃષ્ણ પૂર્ણ સોળ કળા અવતારી પુરુષ હતો. તેમણે પોતાની યોગમાયાથી જન્મથી માંડીને અગિયાર વર્ષે કંસને માર્યો ત્યાંસુધી બાળચરિત્રો કર્યાં. મથુરાના ઉગ્રસેનને ગાદીએથી ઉઠાડી મૂકી કંસ ગાદીએ બેઠો અને આજ્ઞા કરી કે કોઈએ રામનામ લેવું નહિ અને યજ્ઞ કરવો નહિ. એણે બ્રાહ્મણ તથા પ્રભુભક્તોને બહુ દુઃખ દીધું. જ્યારે તેના કાકા દેવકે પોતાની કન્યા દેવકીને વસુદેવ સાથે પરણાવી ત્યારે કંસ તેમને ખુશીથી વળાવા જતો હતો. એવામાં આકાશવાણી થઈ કે એનો આઠમો પુત્ર તારો કાળ થશે. કંસે દેવકી વસુદેવ બંનેને કેદમાં રાખ્યાં. દેવકીને થયેલાં સાત સંતાનોનો કંસે નાશ કર્યો. આઠમા સંતાન કૃષ્ણને મારવાને માટે કંસે ઘણી યુક્તિ કરી. પોતાની બહેન પુતનાને તથા કણાસુર, શકટાસુર, તૃણાવર્ત, બકાસુર, વત્સાસુર, ધુંધક, પ્રબંધ, વૃષભાસુર, કેશી, વ્યોમાસુર વગેરે ઘણા રાક્ષસોને મોકલ્યા, પણ બાળકૃષ્ણે તે સર્વ ન નાશ કર્યો. છેવટે અક્રૂરને મોકલી કૃષ્ણને મથુરા બોલાવ્યા અને શલ, દૂશલ, ચાણૂર, મુષ્ટિક અને કૂટ એ પાંચ વિકરાળ મલ્લો સાથે યુદ્ધ કરાવી કૃષ્ણને મારી નખાવવાનો વિચાર કર્યો. રસ્તામાં કુવલયાપીડ નામના દારૂ પાઈને મસ્ત બનાવેલા હાથીને ઊભો રાખ્યો. અગિયાર વર્ષના સુકુમાર બાળક શ્રીકૃષ્ણે તે હાથીને તથા મલ્લોને મારી નાખ્યા ને કૂદકો મારી કંસને પકડી તેના પ્રાણ લીધા અને માતાપિતાને કેદમાંથી છોડાવ્યાં. એક વખત બાળ વયમાં બગાસું ખાતાં તેણે પોતાના મોઢામાં માતા જશોદાને ત્રણ ભુવન બતાવ્યાં હતાં. તોફાન કરે, ગોરસડાં ફોડે તોપણ સૌ પ્રેમભાવથી તેમને તેડી રમાડતાં. એકવાર કૃષ્ણે માયા રચી. ગોકુળમાં ઘેર ઘેર કૃષ્ણરૂપ થઈ ગોરસડાં ફોડી દહીં માખણ તે ખાવા લાગ્યો. સ્ત્રીઓ જશોદા પાસે રાવે આવી. જશોદાએ કહ્યું કે મારો કૃષ્ણ તો પારણામાં જ રમે છે. બધી સ્ત્રીઓએ કૃષ્ણ શેરીઓમાં ભાખોડિયાભર ફરે છે એવું દીઠું હતું. કૃષ્ણની માયાનો આવો પ્રભાવ જાણી સૌનો તેમના ઉપર પ્રેમ વધ્યો. એક દિવસે તોફાની કૃષ્ણે ઘરમાં દહીં દૂધનાં મટકાં ફોડી સર્વ ઢોળી નાખ્યું અને પોતાના મિત્રોને તે ખવરાવ્યું. માતાએ દામણાથી કૃષ્ણને ખાંડણિયા સાથે બાંધ્યા. ખાંડણિયો ઘસડતા ઘસડતા કૃષ્ણ જ્યાં નલકુબેર અને મણિગ્રીવ નામના કુબેરના બે પુત્ર નારદના શાપથી આમલીના ઝાડરૂપ થયા હતા ત્યાં આવ્યા. ખાંડણિયો ભટકાતાં તે બંને વૃક્ષ પડી ગયાં અને તેમાંથી બે દિવ્ય પુરુષ નીકળી કૃષ્ણની સ્તુતિ કરી ચાલતા થયા. કૃષ્ણ ગોવાળિયાના છોકરા ભેગા વાછરડાં ચારવા લાગ્યા. તે આહીરોની સાથે ખાતાપીતા, તેથી દેવોને શંકા થઈ કે કૃષ્ણ પરમાત્મા આહીરો સાથે ખાય છે માટે યજ્ઞાદિકમાં પવિત્રતા શા માટે જોઈએ ? તેથી પરીક્ષા કરવા બ્રહ્માએ બધાં વાછડાંઓ સંતાડી દીધાં. કૃષ્ણે પોતાની માયાથી તેવા જ રંગનાં બીજાં વાછરડાંઓ બનાવી દીધાં. કાળી નાગને મારી યમુનાનું પાણી વિષમય હતું તે અમૃતતુલ્ય કર્યું. પોતાની મોરલી બજાવી સર્વને તેમણે મોહિત કર્યાં હતાં. ગોકુળની સ્ત્રીઓ વસ્ત્ર રહિત થઈ સ્નાન કરતી હતી તેને શાસ્ત્રમર્યાદા બતાવી. ગોવાળો ઈંદ્રની પૂજા કરતા તેને બદલે ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું કૃષ્ણે કહ્યું. ઈંદ્રે ગુસ્સે થઈ મૂશળધાર મેઘ વર્ષાવ્યો. કૃષ્ણે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત છત્રની પેઠે તોળી રાખ્યો ને તેની નીચે સર્વેનું રક્ષણ કર્યું. ઈંદ્રે ગર્વ મૂકી કૃષ્ણની સ્તુતિ કરી. આઠ વર્ષની બાળ વયે જશોદા પાસે બેઠાં બેઠાં છ માસનાં રાત્રિ દિવસ કર્યાં. મહારાસક્રીડામાં સર્વ સ્ત્રીઓની પાસે એક એક કૃષ્ણ ઊભા છે એવી પોતાની યોગમાયા પ્રગટી. રાધા વગેરે સર્વ સ્ત્રીઓને શૃંગારનું પૂર્ણ સુખ આપ્યું ને સર્વનો ઉદ્ધાર કર્યો. સુદર્શન નામનો વિદ્યાધર અંગિરા ઋષિના શાપથી અજગર થઈને પડ્યો હતો તેનો ઉદ્ધાર કર્યો. કુબ્જાને કૂબડી મટાડી દિવ્ય દેહ આપ્યો. કૃષ્ણ અને તેમના મોટા ભાઈ બળરામ સાંદિપનિ ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ માટે ગયા. ત્યાં તેઓએ વેદ, ઉપવેદ, ન્યાય, તત્ત્વજ્ઞાન, ધનુર્વિદ્યા અને નીતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ગુરુદક્ષિણામાં ગુરુનો પુત્ર જે સમુદ્રમાં ડૂબી ગયો હતો તેને પાછો લાવવા પાંચજન્ય દૈત્યને માર્યો, તેનું શંખરૂપ તન પોતે લીધું. એ વગાડી તેણે યમને દર્શન આપી ત્યાંથી ગુરુપુત્રને ત્યાંથી લઈ આવ્યા. કંસનો સાસરો જરાસંધ ઘણો દુષ્ટ હતો. તેણે ૨૦૮૦૦ રાજાને કેદ કર્યા હતા. તેનો નાશ કરવા પ્રથમ તેણે મોકલેલા કાળયવનને યુક્તિથી મુચકુંદ પાસે બળાવી નાખ્યો ને પછી ભીમને હાથે તેને મરાવી નાખ્યો અને રાજાઓને છોડાવ્યા. વિશ્વકર્મા પાસે સર્વ યાદવો સમાઈ રહે તેવી ઉત્કૃષ્ટ દ્વારકા નગરી વસાવી. યોગમાયાને આજ્ઞા કરી એક રાત્રિમાં સર્વ સંપત્તિ સહિત સર્વને ત્યાં વસાવ્યાં. વૈદર્ભ દેશની રુકિમણીનું હરણ કર્યું, જાંબુવાનની કન્યા જાંબુવતીને તથા સત્રાજિતની કન્યા સત્યભામાને પરણ્યા. પ્રાગજ્યોતિષપુરના નરકાસુર નામના રાજાએ ઘણા રાજાઓની કન્યાઓને પકડી કેદ કરી હતી. કૃષ્ણે નરકાસુરને મારી તે સોળ હજાર એકસો કન્યાઓ છોડાવીને તે સાથે પોતે લગ્ન કર્યાં. તેમને મુખ્ય આઠ પટરાણી હતી. તેનાં નામ: રુકિમણી, જાંબુવતી, સત્યભામા, ભદ્રા, મિત્રંવદા, સત્યા, કાલિંદી અને રોહિણી. બાણાસુરના હજાર હાથમાંથી ચાર રાખી બાકીના કાપી નાખી તેનો ગર્વ ઉતાર્યો. પુંડરીક રાજા જુલમ કરતો હતો તેને મારી પ્રજા સુખી કરી. નૃગ રાજા શાપથી અંધારા કૂવામાં પડ્યો હતો તેને ચરણ અડાડી દિવ્યદેહી કર્યો. દ્રોપદીના સ્વયંવરમાં પાંડવોને સહાય કરી જય અપાવ્યો. યુધિષ્ઠિરે આદરેલા રાજસૂય યજ્ઞમાં બ્રાહ્મણોનું એઠું ઉપાડવાનું કામ કૃષ્ણે પોતાને હાથે રાખ્યું અને એક બ્રાહ્મણના પ્રેતને તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતથી સજીવન કર્યું. મદાંધ શિશુપાળનો નાશ કર્યો તથા શૈલ્ય, દંતવક્ર, વિદુરથને મારી નાખ્યા. ગુરુબંધુ સુદામાનું દારિદ્રય ટાળી સુખી કર્યો. કૌરવો પાંડવોને ઘણું દુઃખ દેતા. સતી દ્રોપદીનાં વસ્ત્રો દુઃશાસને ભરસભામાં ખેંચવા પ્રયત્ન કર્યો. એ વખતે ગુપ્તપણે કૃષ્ણે વસ્ત્રો પૂરી સતીની લાજ રાખી. કૌરવોને અનેક વાર કૃષ્ણે સમજાવ્યા છતાં તેમણે પાંડવોને થોડો પણ ભાગ આપવાની ના પાડી, જેથી યુદ્ધનું નક્કી થયું. ત્યારે દુર્યોધન તથા અર્જુન બંને કૃષ્ણની મદદ માગવા ગયા. કૃષ્ણે પોતે યુદ્ધમાં ઊતરવાની ના પાડી, પણ સૈન્ય મોકલવા હા પાડી. દુર્યોધને સૈન્ય માંગ્યું. તેથી કૃતવર્મા યાદવને એક અક્ષૌહિણી સૈન્ય લઈને મોકલ્યો. તમે યુદ્ધ ન કરશો, પણ અમારી સાથે રહો એવી અર્જુનની માગણીથી કૃષ્ણ અર્જુન સાથે ગયા અને અર્જુનના સારથિ બન્યા. લડાઈની શરૂઆતમાં પોતાનાં આપ્તજનોને સામે ઊભેલાં જોઈ અર્જુને હથિયાર છોડી દીધાં ત્યારે કૃષ્ણે અર્જુનને બોધ આપી લડવા સમજાવ્યો. એ બોધ ગીતામાં કહેલો છે અને તે બુદ્ધિમાન પુરુષોએ મનન કરવા જેવો છે. યુદ્ધમાં શ્રીકૃષ્ણે પાંડવોને યુક્તિઓ બતાવી દુર્યોધનાદિ કૌરવોનો સંહાર કરાવ્યો અને પાંડવોને જય અપાવ્યો. પછી કૃષ્ણ દ્વારકા પાછા આવ્યા. એક સમયે સર્વ યાદવોને લઈ કૃષ્ણ પ્રભાસની યાત્રાએ ગયા, ત્યાં યાદવો મદિરા પીને મસ્ત બન્યા હતા. તેમાં કજિયો થતાં સમુદ્ર કિનારે હથિયારો ખેંચાયાં અને સર્વ મરણ પામ્યા. આ સઘળું કૃષ્ણની ઈચ્છાથી જ થયું હતું અને તેમની ઈચ્છાથી જ દુર્વાસા મુનિએ તેવો શાપ આપ્યો હતો. આ સર્વ યાદવો કપાઈ મૂઆ તે વખતે કૃષ્ણ તથા બળરામ દૂર જઈ બેઠા હતા. એ રીતે સર્વનો નાશ કરી પોતે તથા બળરામે વૈકુંઠ જવા વિચાર કર્યો. બળરામે લંગોટી વાળી સમુદ્ર કિનારે જઈ દેહ તજી દીધો. પછી શ્રીકૃષ્ણ પીપળાને થડે જમણો પગ ડાબા પગના ઘૂંટણ ઉપર મૂકી એકધ્યાનથી બેઠા ત્યાં તેમની ઈચ્છાથી જ વાલી નામના વાંદરાનો અવતાર જરા નામનો કોળી નિમિત્ત કારણે ધનુષ્ય લઈ આવ્યો. તેણે કૃષ્ણ પરમાત્માના ચળકતા પગને હરણની આંખ જાણી બાણ માર્યું. પછી પાસે આવી કૃષ્ણને જોઈ પસ્તાવો કરવા લાગ્યો. કૃષ્ણે તેને દિલાસો આપ્યો કે મારી ઈચ્છાથી જ આ થયું છે. એવામાં કૃષ્ણનો સારથિ દારુક આવ્યો. તેને કૃષ્ણે કહ્યું કે મારા સ્વધામ ગયાની અને યદુવંશીઓના મરણની વાત તું દ્વારકામાં કરજે અને કહેજે કે હવે દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. માટે તમો સર્વ સ્ત્રી બાળકો તથા ધનમાલ લઈ અર્જુન સાથે હસ્તિનાપુર જજો. એટલામાં સર્વ દેવતાઓ વિમાનમાં બેસી કૃષ્ણને તેડવા આવ્યા, પણ કૃષ્ણ આંખો મીચી ધ્યાન કરી વીજળીની પેઠે ચમકાર કરી પોતાના મૂળ સ્વરૂપમાં મળી ગયા. એ રીતે કૃષ્ણે અનેક દુષ્ટોનો સંહાર કરી ભૂમિનો ભાર ઉતાર્યો અને ધર્મ, નીતિ, ન્યાય તથા વિવેકની સ્થાપના કરી તેઓ સ્વધામમાં ગયા. તે મોટા પરોપકારી ને નિર્લોભી હતા. રાજવંશી છતાં ગોવાળિયાની સ્થિતિમાં તે ઊછર્યા હતા. તેઓ ચંદ્રવંશી યયાતિ રાજાના પુત્ર યદુના વંશના હતા. દ્વારકા તેમની રાજધાની હતી. તેમના મણિનું નામ કૌસ્તુભ, સારથિનું નામ દારુક, ખડ્ગનું નામ નંદક, શંખનું નામ પાંચજન્ચ, મુખ્ય શસ્ત્રનું નામ સુદર્શન ચક્ર, ગદાનું નામ કૌમોદકી હતું. તેઓ શૃંગારમાં વિલાસી હતા. રણમાં તેમની બરોબરી કરી શકે એવું કોઈ ન હતું. તેમની મુખમુદ્રા અવલોકન કરનારના મનમાં જુદા જુદા ભાવો પ્રગટ થતા. એમ કૃષ્ણે પોતાની અલૌકિક માયા દેખાડીને પોતાનું પ્રભુત્વ દર્શાવી આપ્યું છે. તેમની ઉત્પત્તિ વિષે એમ કહેવાય છે કે વિષ્ણુએ પોતાના બે વાળ ખેંચી કાઢ્યા. એક ધોળો અને બીજો કાળો. આ બે વાળ રોહિણી અને દેવકીના ગર્ભાશયમાં ગયા. ધોળો વાળ બળરામરૂપે અને કાળો વાળ કૃષ્ણ અથવા કેશવરૂપે ઉત્પન્ન થયા. તેમનાં અનેક નામ છે. તેમાં ઉપેંદ્ર, વિષ્ણુ, નારાયણ, વૈકુંઠ, સ્વયંભૂ, દૈત્યારિ, પુંડરીકાક્ષ, ગરુડધ્વજ, પીતાંબર, અચ્યુત, વિશ્વકસેન, જનાર્દન, ચતુર્ભુજ, પદ્મનાભ, મધુરિપુ, ત્રિવિક્રમ, દેવકીનંદન, શૌરી, શ્રીપતિ, પુરુષોત્તમ, બલિધ્વંસી, કંસારાતિ, અધોક્ષજ, વિશ્વંભર, વિધુ, કૈટભજિત, શ્રીવત્સલાંછન, વનમાળી, વિઠ્ઠલ, કહાન, નંદકિશોર, કનૈયા, શામળિયા, વાસુદેવ, માધવ, નટવર, મદનમોહન, મધુસૂદન, ત્રિકમ, કેશવ, મુરલીધર, ચક્રપાણિ, સારંગપાણિ, ગરુડગામી, ગોવિંદ, મુરારિ, હૃષીકેશ, ગોપાળ, ગિરિધારી, વ્રજરાજ, દામોદર વગેરે છે. નિજધામ જવા કાળે કૃષ્ણનું વય એકસો પચીશ વર્ષનું હતું. | |
| 25 | पुं. | વેદવ્યાસ. | |
| 26 | पुं. | શનિ. | |
| 27 | पुं. | શિવ; શંકર. | |
| 28 | पुं. | શુકદેવ. | |
| 29 | पुं. | ( પુરાણ ) શુક્રાચાર્યને પીબરીને પેટે થયેલા ચાર માંહેનો એક પુત્ર. | |
| 30 | पुं. | ( સંગીત ) સામમાં જણાવેલ સાત માંહેનો એક સ્વર. | |
| 31 | पुं. | સુરમો. | |
| 32 | पुं. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ. | |
| 33 | न. | ( પુરાણ ) અર્થવેદનું એ નામનું ઉપનિષદ. | |
| 34 | न. | ઊંચી જાતનું કાળું અગર. | |
| 35 | न. | એક જાતનો ક્ષાર. | |
| 36 | न. | કદંબનું ઝાડ. | |
| 37 | न. | કાળાં મરી. | |
| 38 | न. | ખરાબ કર્મ. | |
| 39 | न. | ચંદ્રનું ધાબું. | |
| 40 | न. | દશાવતારી ગંજીફાના પાનાની એક જાત. | |
| 41 | वि. | અપ્રમાણિકપણે એકઠું કરેલ. | |
| 42 | वि. | આકર્ષણ કરનાર; ખેંચનાર. | |
| 43 | वि. | કાળું. | |
| 44 | वि. | યજુર્વેદની એ નામની એક શાખાનું. | |
| 45 | वि. | હિંસક; મારી નાખનાર. ખાટકી, પારધી વગેરે લોકોનો કૃષ્ણ જાતિમાં સમાવેશ થાય છે. |
ગાયત્રી
રામ
| ક્રમાંક | વ્યુત્પત્તિ | વ્યાકરણ | અર્થ |
| ૧. | पुं. | અરુણનું એક નામ. | |
| ૨. | पुं. | અર્જુન. | |
| ૩. | पुं. | આત્મા; જીવ. | |
| ૪. | पुं. | આનાની તેરીખ; વ્યાજનો આનો. | |
| ૫. | पुं. | ઋગ્વેદના દશમા મંડલના ૧૧૦મા સૂક્તનો કર્તા એક ઋષિ. | |
| ૬. | पुं. | ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; દોલા. તે પ્રતિષ્ઠા છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં સગણ અને ગુરુ એમ ચાર અક્ષર હોય છે. | |
| ૭. | पुं. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રસઉલ્લાસ છંદનો એક ભેદ છે. તેમાં બાર ગુરુ અને બત્રીશ લઘુ મળી ચુંમાળીસ વર્ણ અને છપ્પન માત્રા આવે છે. | |
| ૮. | पुं. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ત્રેવીશ ગુરુ અને પચાસ લઘુ મળી તોંતેર વર્ણ અને છન્નું માત્રા હોય છે. | |
| ૯. | पुं. | ગૌતમ બુદ્ધનું ભવિષ્ય જાણવા માટે બોલાવેલ મુખ્ય આઠ માંહેનો એક બ્રાહ્મણ. | |
| ૧૦. | पुं. | ઘોડો. | |
| ૧૧. | पुं. | જરથોસ્તી માસનો એ નામે એકવીશમો દિવસ. | |
| ૧૨. | पुं. | જંબુદ્વિપના નવ માંહેનો એક ખંડ. | |
| ૧૩. | पुं. | જૈન ધર્મના નવમા બળદેવ. | |
| ૧૪. | पुं. | તાકાત; શક્તિ. | |
| ૧૫. | पुं. | ત્રણની સંખ્યા બતાવનારી સંજ્ઞા; ત્રણ સૂચક સાંકેતિક શબ્દ. | |
| ૧૬. | पुं. | ( પુરાણ ) પરશુરામ; જમદાગ્નિ ઋષિને રેણુકાની કૂખે થયેલા પાંચ માંહેના સૌથી નાના પુત્ર. તેનાં જમદગ્નિના પુત્ર હોવાથી જામદગ્ન્ય અને હાથમાં પરશુ નામનું આયુધ ધારણ કરતા હોવાથી પરશુરામ એવાં નામ હતાં. પિતાની આજ્ઞાને અનુવર્તી માતાનો અને ભાઈઓનો વધ કર્યા પછી જમદગ્નિએ તેને વર માગવાનું કહ્યું ત્યારે તેણે સૌને સજીવન કર્યાં. ત્રેતાયુગમાં તે ક્ષત્રિય કુળના જુલમી રાજાઓને શિક્ષા કરવા માટે જનમ્યા હતા. | |
| ૧૭. | पुं. | પ્રેમી; આશક. | |
| ૧૮. | पुं. | બલરામ; શ્રીકૃષ્ણના મોટાભાઈ; વસુદેવને રોહિણીની કૂખે થયેલ પુત્ર; રેવતીરમણ. | |
| ૧૯. | पुं. | ( જરથોસ્તી ) બીજા મુખ્ય ફિરસ્તા બહમનના ત્રણ માંહેનો એ નામનો એક હલકારો. | |
| ૨૦. | पुं. | માલ; કીમત. | |
| ૨૧. | पुं. | રામાનુજ સંપ્રદાયનો એ નામનો એક સાધુ. તેણે આનંદ સંપ્રદાય કાઢયો હતો. | |
| ૨૨. | पुं. | વરુણ દેવ. | |
| ૨૩. | पुं. | વર્ગમાં મોટું એ અર્થ બતાવવા નામની પહેલાં મુકાતો શબ્દ. | |
| ૨૪. | पुं. | વર્તમાન કૃદંતને અંતે લાગતાં `તે ક્રિયા કરવાની ટેવવાળું મસ્ત માણસ` એવો અર્થ બતાવતો શબ્દ. જેમકે ભમતા રામ, રખડતા રામ. | |
| ૨૫. | पुं. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. નિત્યાનંદ સ્વરૂપ ભગવીનમાં યોગીજન રમણ કરે છે તેથી તે રામ કહેવાય છે. | |
| ૨૬. | [ સં. રમ્ ( આનંદિત થવું ) ] | पुं. | સર્વત્ર વ્યાપી રહેલ પરમાત્મા; પરમેશ્વરનું એક નામ; જગદીશ્વર. |
| ૨૭. | पुं. | ( પુરાણ ) સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુલોત્પન્ન અજ રાજાના પુત્ર દશરથને કૌશલ્યાથી વિષ્ણુના અંશથી થયેલ પુત્ર. ચૈત્ર શુદિ નોમને દિવસે તેનો જન્મ થયો હતો. તેથી આ દેશમાં તેનો જન્મ રામનવમી અથવા રામજયંતીથી ઉજવાય છે. યજ્ઞના રક્ષણ માટે વિશ્વામિત્રની માગણીથી રામલક્ષ્મણે જઈ ઘણા રાક્ષસોનો નાશ કર્યો. યજ્ઞ સમાપ્ત થયા પછી વિશ્વામિત્રની સાથે રામ મિથિલા નગરીમાં જ્યાં સીતાનો સ્વયંવર હતો ત્યાં ગયા. રસ્તામાં પથ્થર રૂપે પડેલી અહલ્યાનો ઉદ્ધાર કર્યો. શિવે આપેલું પ્રચંડ ધનુષ્ય તોડી સીતા સાથે વિવાહ કર્યો. વિવાહ પછી અયોધ્યા પાછા જતાં રસ્તામાં જામદગ્ન્યે રામને આંતર્યા. તે વેળા તેમનામાંથી વિષ્ણુતેજ નીકળી રામમાં પ્રવિષ્ઠ થવાથી જગદગ્ન્ય પોતાને આશ્રમે ગયા. રામ અયોધ્યા આવતાં દશરથે તેના રાજ્યાભિષેકની તૈયારી કરી પણ કૈકેયીએ તેમાં વિધ્ન નાખી રામને બદલે ભરતને ગાદી અને રામને ચૌદ વરસ વનવાસ એવાં વરદાન માગ્યાં. રામ અયોધ્યા છોડી ચાલી નીકળ્યા. લક્ષ્મણ અને સીતા પણ તેમની સાથે ગયાં. તેઓ ચિત્રકૂટ પર્વત ઉપર આવી. પર્ણકુટિ બનાવી તેમાં સુખે રહેવા લાગ્યાં. ત્યાં રામે ઘણા રાક્ષસોનો નાશ કર્યો. શૂર્પણખાનાં કાન ને નાક કાપ્યા. ખર નામના રાક્ષસને પણ સૈન્ય સહિત માર્યો. આથી રાવણે મારીચ પાસે મૃગ રૂપ ધારણ કરાવી, પોતે સંન્યાસીનો વેષ ધારણ કરી, રામ અને લક્ષ્મણને અરણ્યમાં લલચાવી, તેણે સીતાનું હરણ કર્યું. રામ અને લક્ષ્મણ જ્યારે સીતાને શોધવા નીકળ્યા ત્યારે મરણોન્મુખ થયેલા જટાયુએ તેને ખબર આપ્યા. ચાલતાં ચાલતાં પંપા સરોવરે થઇ તેઓ ઋષ્યમૂક પર્વત સમીપ આવ્યા. ત્યાં સુગ્રીવ સાથે મૈત્રી કરી, વાલીનો વધ કરી સુગ્રીવને ગાદીએ બેસાડ્યો. સુગ્રીવે સીતાની શોધ કરવા અંગદ, હનુમાન વગેરે વાનરોને મોકલ્યા. હનુમાને લંકામાં સીતાની શોધ કરી. વાનરસેના સાથે રામચંદ્ર લંકા જવા નીકળ્યા. નીલ વાનર વિશ્વકર્માના અંશથી જન્મેલો હતો. તેની પાસે સમુદ્ર ઉપર સેતુ બંધાવી રામ લંકામાં ગયા. રામરાવણનું યુદ્ધ થયું. તેમાં ઇંદ્રજિત, કુંભકર્ણ અને બધા રાક્ષસોનો નાશ થયો. સીતાએ અગ્નિપ્રવેશ કર્યો અને સુરક્ષિત બહાર નીકળ્યા. પછી વિભીષણને લંકાની ગાદી આપી રામ પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા ગયા. ભરતને અગાઉથી સમાચાર મોકલાવ્યા હતા તેથી તેમને અત્યંત હર્ષ થયો હતો અને નંદીગ્રામમાં તે રામને મળ્યા. ત્યાર પછી અયોધ્યામાં રામનો રાજ્યાભિષેક થયો અને રામે ભરતને યુવરાજ પદ ઉપર સ્થાપ્યા. રામે અગિયાર હજાર વર્ષ રાજ્ય કર્યું. તે ગાળામાં કોઇનું અકાળ મૃત્યું સરખું પણ થયું નહિ, તેમ કોઇ સ્ત્રીને વૈધવ્ય પણ આવ્યું નહિ. સીતા રાગમથી સગર્ભા થયાં તેમણે ઋષિના આશ્રમે વાસ કરવો એમ નક્કી થયું. એ ઉપરથી રામે તેને વાલ્મીકિ ઋષિને આશ્રમે મોકલ્યાં. પછી રામે અશ્વમેધ યજ્ઞ કર્યો, જેમાં અનેક ઋષિ આવ્યા હતા. તેમાં વાલ્મીકિ પણ હતા. તેમની સાથે કુશલવ આવ્યા હતા. રામની આકૃતિ ભવ્ય હતી. તેઓ સીતા સિવાય બીજી સ્ત્રીઓને માતા સમાન માનતા. તેઓ વિષ્ણુના મર્યાદાવતાર તરીકે ગણાતા. રામે ઘણા કાળ પર્યંત ન્યાયપૂર્વક રાજ્ય ચલાવ્યું તેથી રામરાજ શબ્દ ઉત્તમ રાજનીતિના પર્યાય તરીકે લોકોમાં પરિચિત છે. ૧. અંદરની વાત રામ જાણે = ધોળું એટલું દૂધ નહિ ને પીળું એટલું સોનું નહિ. ૨. આત્મારામ = અંત:કરણમાં રહેલો રામ; આત્મા પોતે જ રામ છે તેવું માનવું તે. ૩. જેને રામ રાખે તેને કોણ ચાખે = જેને ઈશ્વર સહાયભૂત હોય તેને કંઇ અડચણ આવતી નથી. ૪. રામ ઊડી જવા = (૧) ઉચ્ચ તત્ત્વ, સારપણ કે હિમત જતાં રહેવાં (૨) મરણ પામવું. ૫. રામ કરવું = ઓલવવું; ઠારી નાખવું. ૬. રામ ગાંડિયું = વેતા વગરનું; ઢંગધડા વિનાનું; વ્યતીપાત; ઘેલછાવાળું. ૭. રામચરણ પામવું = મરણ પામવું; મરી જવું. ૮. રામ જાણે = ભગવાન જાણે; મને ખબર નથી. ૯. રામ ઝરૂખે બેઠ કર સબકા મુજરા લેત જૈસિ જિનકી ચાકરી, વૈસા ઉનકુ દેત = જેવી કરણી તેવું ફળ. ૧૦. રામ થઈ જવું-રામ બોલી જવા-રામ રમી જવા = (૧) ઊંઘી જવું. (૨) ટાઢું પડી જવું. (૩) દુર્દશામાં આવી જવું; પાયમાલ થવું. (૪) વસ્તુના ભાંગીને ચૂરેચૂરા થઈ જવા. (૫) મરણ પામવું; પ્રાણ ઊડી જવા; મરી જવું. (૬) સત્ત્વહીન થઇ જવું. ૧૧. રામ નામ જપના, પરાયા માલ ખપના = મુખમેં રામ, બગલમેં છૂરી, ભગત ભયા ભી દાનત બૂરી. આ ધર્મઠગને માટે વપરાય છે. ૧૨. રામ નામ જપવું = છાનામાના બેસી રહેવું; બેઠાં બેઠાં ચૂપચાપ જોયા કરવું. ૧૩. રામ નામ દેવું = (૧) બીજાનું બૂરું બોલવાનું છોડી દઈ મનને સારા વિચાર તરફ દોરવું; માયા છોડી શાંત રહેવું. (૨) વાત છોડી દેવી. ૧૪. રામ નામે પથ્થર તરે = મોટાને નામે કામ થાય; મોટાને નામે બોર વેચાય. ૧૫. રામ બોલવા = મરી જવું. ૧૬. રામ બોલો થવું = (૧) આવી બનવું; માર્યા જવું; છેક જ નુક્સાનીમાં આવી પડવું. (૨) પડી ભાંગવું. (૩) મરી જવું. ૧૭. રામ બોલો ભાઈ રામ ! = (૧) થઈ રહ્યું ! સત્યાનાશની પાટી ! (૨) મડદાને સ્મશાને લઇ જતી વખતે બોલાતો બોલ. ૧૮. રામ રમાડી દેવા = મારી નાખવું. ૧૯. રામ રમી જવું-રામ બોલવા-રામશરણ કરવું. = (૧) ટાઢું પડી જવું. સત્ત્વ જતું રહેવું. (૨) મરણ પામવું; મરી જવું. (૩) સાધુ થવું; વિરક્ત થવું. ૨૦. રામરામ = (૧) રજપૂત રજપૂતને મળતાં કે છૂટા પડતી વેળા સન્માનસૂચક રામરામ બોલે છે. (૨) રજા લેતાં કરવામાં આવતી સલામ; જેગોપાલ; નમસ્કાર; જય જય. મેળાપ કે વિદાય વખતે તેમ બોલાય છે. ૨૧. રામરામ કરવા = (૧) ચાલુ વાતને જવા દેવી. (૨) છેવટના પ્રણામ કરવા. (૩) ભગવાનનું નામ જપવું. ૨૨. રામરામ કરો = એ વાત જવા દો; હવે કંઈ વળવાનું નથી. ૨૩. રામરોટલો થવો = (૧) કનકવાનો પેચ થવો. (૨) ભાંગી જવું; ચૂરા થઇ જવા. ૨૪. રામલક્ષ્મણની જોડ = રામલક્ષ્મણના જેવી સરખેસરખાની કે અરસપરસ હેતપ્રીતિવાળાની જોડી. ૨૫. રામ વગરનું = જિગર કે હિંમત વગરનું. ૨૬. રામશરણ પહોંચાડવું = મારી નાખવું. ૨૭. રામનું નામ દો = (૧) ભગવાનનું ભજન કરો; કંઇ સારું કામ કરો (૨) હવે કંઇ વળવાનું નથી. ૨૮. રામનું નામ લેવું = માયા છોડી દેવી; શાંત રહેવું. ૨૯. રામનું બાણ = (૧) કદી નિષ્ફળ ન જાય તેવું રામનું બાણ (૨) નિષ્ફળ ન નીવડે તેવું; અમોધ. ૩૦. રામનું રખવાળું-રખોપું = નિર્ભય સ્થિતિ. ૩૧. રામનું રાજ = (૧) પ્રજાને સુખ અને અભય હોય તેવું રાજ્ય; તેના જેવું ન્યાયથી ચલાવાતું સુખી રાજ્ય; લોકોને સ્વતંત્રતા અને ઇન્સાફ મળે અને તેમનું રક્ષણ થાય તેવું રાજ. (૨) રામચંદ્રજીનું રાજ્ય. ૩૨. રામનું રામાયણ = નહિ જેવી વાતનું મોટું પીંજણ; વાતનું વતેસર. ૩૩. રામનું સોણું ભરતને ફળ્યું-ભાવ્યું = જોઈતું હતું ને વૈદે બતાવ્યું; એકની ભાવના બીજાને ફળવી; ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ. ૩૪. રામને રળવું નહિ અને સીતાને દળવું નહિ = (૧) કંગાલ સ્થિતિમાં હોવું. (૨) બેઉ પક્ષ આળસુ હોવા; બંને સરખા હોવા. ૩૫. સો તારી રામદુવાઈ અને એક મારું ઊંહું = ઊંહું નું ઓસડ નહિ; ના પાડ્યા પછી હા ન થવી. | |
| ૨૮. | पुं. | ( સંગીત ) હનુમંત મત પ્રમાણે દીપક રાગના આઠ માંહેનો એક પ્રકાર. | |
| ૨૯. | पुं. | હીંગળો. | |
| ૩૦. | पुं. | હુકમ ઉઠાવનાર ઘરનો માણસ. | |
| ૩૧. | पुं. | હોંશ; જીવ; દમ; હિંમત; ઉમંગ; ઉત્સાહ. | |
| ૩૨. | न. | અશોકવૃક્ષ; આસોપાલવનું ઝાડ. | |
| ૩૩. | न. | અંધારું. | |
| ૩૪. | न. | એક ગુણ્યા એકથી સો ગુણ્યા સો સુધીના વર્ગની માફક ગુણવાની રીતના પાડા. | |
| ૩૫. | न. | એક જાતનું હરણ. | |
| ૩૬. | न. | કુષ્ટ રોગ. | |
| ૩૭. | न. | તમાલ પત્ર. | |
| ૩૮. | वि. | આનંદદાયક; હર્ષ ઉપજાવે તેવું. | |
| ૩૯. | वि. | કાળું. | |
| ૪૦. | वि. | મનોહર; ખૂબસૂરત; સુંદર. | |
| ૪૧. | वि. | શુભ; સારું. | |
| ૪૨. | वि. | શ્વેત; ધોળું. |
Subscribe to:
Posts (Atom)